ભરેલાં રિંગણા | Bharela Ringan Recipe In Gujarati

Bharela Ringan Recipe In Gujarati - ભરેલા રીંગણ ની રેસીપી

ડાયાબિટીસ હોય, પાચન શક્તિ સુધારવી હોય કે પછી વજન ઘટાડવું હોય તો રિંગણા ખૂબ લાભકારી છે. હૃદય તથા યાદશક્તિ માટે પણ રિંગણાનું સેવન લાભદાયક નિવડે છે. આ સિવાય પણ રિંગણા અનેક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ રિંગણાનો સ્વાદ બહુ જૂજ લોકોને પસંદ હોય છે. જો તેમાં અનેક મરી મસાલા ઉમેરવામાં આવે તો તેને સ્વાસ્થ્યપ્રદની સાથે સ્વાદિષ્ટ પણ બનાવી શકાય છે. તો આજે આપણે આ રિંગણાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વાત કરીશું ભરેલાં રિંગણાની રેસિપી વિશે. તો શરૂ કરીએ આ રેસિપી બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રી વિશે.

ભરેલાં રિંગણા બનાવવાની રીત :

ભરેલાં રિંગણા | Bharela Ringan Recipe In Gujarati

Priya Gajjar
Prep Time 15 minutes
Cook Time 22 minutes
Total Time 37 minutes
Course Main Course
Cuisine Indian
Servings 2
Calories 312 kcal

Equipment

  • કડાઈ
  • પ્લેટ
  • ચમચો
  • છરી
  • બાઉલ
  • મિક્સર

Ingredients
  

  • 3 રિંગણા અને 1 બટેટુ
  • ¾ કપ ચણાનો લોટ
  • તેલ
  • રાઈ, જીરૂ, હીંગ, 4-5 મીઠા લિમડાના પાંદડા
  • મુઠ્ઠીભર શિંગદાણા અને તલ
  • બે ચમચી છીણેલું ટોપરું ½ ચમચી હળદર, 3/4 ચમચી કાશ્મિરી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ, ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી આમચૂર પાવડર 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક
  • ગોળ લસણ અને મરચાની પેસ્ટ
  • ઝીણી સમારેલી કોથમીર

Instructions
 

  • સૌ પ્રથમ કડાઈને સ્ટવ પર મૂકો. સ્ટવ ચાલુ કરી કડાઈમાં એક ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય પછી તેમાં ¾ કપ ચણાનો લોટ ઉમેરો.
  • હવે ધીમી આંચ પર તેને 2-3 મિનિટ સુધી શેકતા રહો. ધીરે ધીરે લોટનો રંગ બદલાઈ જશે અને તેની સુગંધ પણ તમે મહેસૂસ કરી શકશો. પછી તેને સ્ટવ પરથી લઈ લો.
  • હવે શેકાયેલા ચણાનાં લોટને એક બાઉલમાં કાઢી લો અને તેમાં મિક્સરમાં પીસેલા શિંગદાણા અને સફેદ તલનું મિશ્રણ ઉમેરો.
  • હવે 3 નાના રિંગણા અને એક બટેટું લો. બટેટાની છાલ ઉતારી લો. રિંગણા અને બટેટાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. રિંગણામાં વચ્ચેથી ચાર એ રીતે કાપા કરો કે જેથી તેમાં મસાલો ભરી શકાય. આ જ રીતે બધાં રિંગણામાં કાપા પાડો. હવે બટેટાના નાના ટુકડા કરી લો.
  • હવે બધા રિંગણામાં એક પછી એક યોગ્ય રીતે મસાલો ભરી લો.
  • બટેટાના ટુકડાને વધેલાં મસાલામાં મિક્સ કરી દો. હવે આ બધુ બાજુ પર મૂકી દો.
  • સ્ટવ પર એક કડાઈ લો. તેમાં વચ્ચે એક પ્લેટ મૂકો. આ પ્લેટમાં ત્રણેય રિંગણા અને મસાલા સાથે બટેટાના ટુકડા મૂકો.
  • હવે કડાઈને ઢાંકીને 12-15 મિનિટ સુધી ચડવા દો.
  • જે પછી છરીની મદદથી રિંગણા અને બટેટા બરાબર રીતે ચડી ગયા છે કે નહીં તે ચકાસો.
  • રિંગણા અને બટેટા યોગ્ય રીતે ચડી જાય પછી કડાઈને સ્ટવ પરથી લઈ લો અને તેને બાજુ પર રાખી દો.
  • હવે બીજી કડાઈ લો. તેમાં એક ચમચી તેલ ઉમેરો. તેમાં એક ચમચી રાય, ½ ચમચી જીરૂ, ¼ ચમચી હીંગ, ½ ચમચી હળદર, સમારેલું 1 લીલું મરચું, મીઠા લિમડાના 4-5 પાંદડા ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરો.
  • હવે તેમાં મસાલો ભરેલાં રિંગણા અને બટેટા ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તેના પર ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.
  • હવે આ ભરેલાં રિંગણા અને બટેટાને એક બાઉલમાં લઈ લો અને ફરી તેના પર થોડી સમારેલી કોથમીર ઉમેરો.
  • તો હવે તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલાં રિંગણાનું શાક.

Video

Notes

ભરેલાં રિંગણા માટે મસાલો બનાવવાની રીત :
  • ભરેલાં રિંગણાનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ મિક્સરમાં મુઠ્ઠી ભર શિંગદાણા અને 1 ચમચી સફેદ તલ ઉમેરી બારીક પીસી લો.
  • આ પછી બે ચમચી છીણેલું ટોપરું, ½ ચમચી હળદર, ¾ ચમચી કાશ્મિરી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ, ½ ચમચી ગરમ મસાલો, ¼ ચમચી આમચૂર, 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો.
  • આ પછી તેમાં 1 ચમચી જેટલો ગોળ, 2 ચમચી લસણ-મરચાની પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરો.
  • આ મિશ્રણમાં હવે 2 ચમચી તેલ ઉમેરો. તૈયાર છે સ્વાદિષ્ટ મસાલો.
Keyword ભરેલાં રિંગણા | Bharela Ringan Recipe In Gujarati

ભરેલા રિંગણાના શાકને ખાવાની રીત :

ભરેલાં રિંગણાને તમે રોટલી, રોટલા સાથે ખાઈ શકો છો. ભરેલાં રિંગણાને રોટલી સાથે ખાતી વખતે તેમાં થોડું દહીં ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. જો ઠંડીની ઋતુ હોય તો ગરમા ગરમ ભરેલા રિંગણા સાથે બાજરાનો રોટલો પણ ખાઈ શકાય.

ભરેલાં રિંગણાને સંગ્રહ કરવાની રીત :

રૂમ ટેમ્પરેચરના તાપમાને હોય ત્યારે ભરેલાં રિંગણાને નાના બાઉલમાં લઈ તેને ઢાંકીને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય. પણ સ્વાદના શોખીનોએ શક્ય હોય ત્યાં સુધી વાનગીનો સંગ્રહ કરવાનું ટાળવું અને ગરમા ગરમ ખાવાનો જ આગ્રહ રાખવો.

રિંગણા ખાવાનાં ફાયદા :

પરિવારમાં કોઈને કોઈ સભ્ય તો એવા હોય જ જેમને રિંગણા ભાવતાં ન હોય. પરંતુ રિંગણામાં અનેક ગુણો સમાયેલા છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. રિંગણામાં વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન એની સાથે ફેટી એસિડ પણ હોય છે જે ત્વચા માટે ખૂબ લાભકારી છે.

આ વિટામિનથી ત્વચા પરના ડાઘાં, કરચલી તથા ખીલ જેવી સમસ્યા દૂર થાય છે અને સાથે જ તે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ પણ આપે છે.

અન્ય ટિપ્સ :

  • ઘણાં લોકો લસણ ખાતાં નથી. તો તેઓ માત્ર મરચાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકે છે.
  • પેસ્ટમાં મરચાં-લસણની સાથે આદુનો ઉપયોગ પણ કરી શકાય.
  • ભરેલાં રિંગણાને યોગ્ય રીતે રાંધવા (ચડવા) માટે કડાઈના બદલે કુકરનો પણ ઉપયોગ થઈ શકે છે.
  • છીણેલું ટોપરું વૈકલ્પિક છે જો એ ન હોય તો પણ ચાલે.

સારાંશ :

તો મિત્રો આ તો હતી ભરેલાં રિંગણાની રેસિપી, તમને આ રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો હવે પછી તમે કઈ રેસિપી વિશે જાણવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવશો.

1 thought on “ભરેલાં રિંગણા | Bharela Ringan Recipe In Gujarati”

Leave a Comment

Recipe Rating